નહીં કાયરનું કામ જોને- ડો. કમલેશ લુલ્લા
Apr 25th 2009vijayshahUncategorized
ગુજરાતની ૫૦મી વર્ષગાંઠ! સ્વર્ણીમ ઉજવણી નો બધા જ ગુજરાતીઓને હ્રદય પૂર્વક અભિનંદન! જય જય ગરવી ગુજરાત. મા ગુજરાતને સ્નેહ વંદન!
ગુજરાત મારા રોમ રોમ માં વસે છે.અમેરિકા મારી કર્મભૂમિ છે. ભારત તો મારી માતૃભૂમિ છે અને ગુજરાત મારી જન્મભૂમિ છે. આ ભૂમિનો વાસ મારાં જીવનમાં વિવિધ રૂપોમાં દરરોજ જોવા મળશે. ગુજરાતે મને શું નથી આપ્યું? નાસામાં મારા કાર્ય મેજ ઉપર ગુર્જર કવિ પ્રીતમની કવિતા ” હરિનો મારગ છે શુરાનો નહીં કાયરનું કામ જોને” ફ્રેમ માં હોય છે. આ કવિ એ મને નાનપણમાં શીખવ્યું કે ” કાયર થવું નહીં!” આજ કવિ એ મને કહ્યું ” તીરે ઉભા તમાશો જોવો નહીં” અને આજ કવિ એ બતાવ્યું કે ” માહી પડ્યા તે મહાસુખ માણે.” આ ગુજરાતનો વારસો મારા જીવનમાં મેં ઉતારવાનો સતત પ્રયત્ન કર્યો છે!
મારા કાર્યકારી જીવનમાં પ્રીતમની કવિતાની ઊંડી અસર છે. એક ભારતીયને પણ નાસામાં મુખ્ય વૈજ્ઞાનિક થવું કોઇ કાયરનું કામ નથી. આ માતૃભૂમિ ગુજરાતની ભેટ છે. ગુજરાતી મહામાનવ મોહનદાસ ગાંધી એ માનવતાનાં પાઠ ભણાવ્યા. ગુજરાતનાં લોહ પૂરુષ સરદાર પટેલે એકતા અને સંગઠનની શિખામણ આપી. વિક્રમ સારાભાઈએ આંખોમાં અંતરિક્ષ યાત્રાનાં સ્વપ્ના આપ્યાં_ આ બધા મહાન ગુજરાતીઓની અસર મારા જીવનમાં છે. ગુજરાતે મને ઘણું આપ્યું છે. ગુજરાત મારામાં જીવંત છે. એ દૂર નથી. તે મારામાં વસે છે.
નહીં કાયરનું કામ જોને
ગુજરાતની યુવા પેઢી માથે ગુજરાતનાં ઘડતરની જવાબદારી છે. ગુજરાતી યુવકમાં કંઇ કમી નથી! ગુજરાતી યુવક આજે ગુજરાતને વિશ્વમાં ચમકતો તારો બનાવી શકે છે_ તે માટે વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ કરવાની તાકાત આપણે બતાવીયે છિયે. એ ગર્વની વાત છે પણ જ્ઞાન વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે પણ આગળ આવવાની હાકલ છે. આજ કાલની વૈશ્વિક જ્ઞાન વસાહતમાં જ્ઞાન વિજ્ઞાન વિના આર્થિક પ્રગતિ ટકી શકે તેમ નથી. ગુજરાતી યુવક કેવળ ધંધા વ્યાપારમાં જ આગળ આવી શકે તે ચીલા ચાલુ માન્યતા નકામી છે. વૈશ્વિક ગુજરાતી વસાહતો એ સિધ્ધ કર્યું છે કે ગુજરાતી યુવાન ધારે તે મેળવી શકે છે.
ગુજરાતી યુવાન સર્વશક્તિમાન છે. તે કોઇ પણ પ્રકારના પડકારથી બીતો નથી. ગુજરાતને વૈશ્વિક જ્ઞાન અર્થ કરણમાં લાવવા માટે જે પણ પ્રયત્ન થઈ રહ્યાં છે તેમાં પણ ગુજરાતી યુવક એક મહત્વ પૂર્ણ ભાગ ભજવશે. આ ગુજરાતનાં વિકાસનું કામ પણ ” નહીં કાયરનું કામ જોને!” મને ગુજરાતી યુવાપેઢી પર સંપૂર્ણ ભરોંસો છે કે તેઓ તેમની જવાબદારી સક્ષમ રીતે બજાવશે..
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની :
“ગુજરાતની સ્થાપનાને ૫૦ વર્ષ થશે ! પણ આ ગુર્જર ભૂમિનો મહિમા તો ખૂબ જ પ્રાચીન છે.
ગુજરાત શાંતિ અને સમૃદ્ધિનું ચમકતું ચિહ્ન બનવા તરફ વધી રહ્યું છે ત્યારે તે ભારતને જ નહીં સમગ્ર વિશ્વને તે દિશામાં દોરશે..જેમ મહાત્મા ગાંધીજીની સત્યાગ્રહની વાતો વિશ્વ માટે માર્ગદર્શક બની હતી તેમજ જે ગુજરાતમાં પહેલા થશે અને વિશ્વ તે માર્ગે ચાલશે. મને જરાય શંકા નથી કે ગુજરાત ની ગાથા સ્વર્ણ અક્ષરે જ લખાશે! હું ગુજરાતમાં જન્મ્યો એટલે હું કહી શકું
તારો બની ગગનમાં તરતો રહીશ હું!
ભોમથી બ્રહ્માંડમાં વિસ્તરતો રહીશ હું!
No Comments »